ગૃહાશક્તિનો નાશ — શકટભંજન લીલા
જ્યારે શ્રીયશોદાજીનું મન ભગવાનમાંથી હટીને ગૃહકાર્યમાં આસક્ત થયું, ત્યારે ભગવાને શકટભંજન લીલા કરી. ભગવાને પોતાના ચરણો ઉંચા કરીને ગાડું ઉથલાવી નાખ્યું, જેથી દૂધ, દહીં, મધ, ઘી વગેરે ભરેલા વાસણો તૂટી ગયા. લૌકિક પદાર્થોનો નાશ થવાથી શ્રીયશોદાજીનું ધ્યાન ભગવાન તરફ ગયું અને ભગવાને ગૃહ સંસાર આશક્તિનો નાશ કરીને ભક્તિનો નિરોધ પોતાનામાં કર્યો. વક્તાશ્રીએ આ લીલાના ભાવને સમજાવતા જણાવ્યું કે જેમ કોઈ વસ્તુના વિષયમાં ધ્યાન ન આપવાથી નુકસાન થાય છે, તેમ ઠાકોરજી પણ ભક્તને લોકથી વિમુખ કરીને પોતાના તરફ આકર્ષિત કરે છે. નાના બાળકના દ્રષ્ટાંત દ્વારા ભગવદ્આસક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું.
રાજસ ભાવની નિવૃત્તિ — તૃણાવર્ત વધ લીલા
પૂતના વધ પછી કંસને શ્રીકૃષ્ણ ગોકુળમાં જ હોવાનો વિશ્વાસ થતા તેણે તૃણાવર્ત નામના દૈત્યને ભગવાનને ઉપાડી લાવવા મોકલ્યો. તૃણાવર્ત વંટોળિયો બનીને આવ્યો અને ધૂળ ઊડવાને કારણે વ્રજભક્તોને ભગવાનના દર્શન ન થયા. ભગવાને પોતાનું વજન વધારીને તૃણાવર્તનો વધ કર્યો. તૃણાવર્ત રજોગુણનું મૂર્ત રૂપ હતો. વક્તાશ્રીએ ગીતાના શ્લોક “રજો રાગાત્મ્કં વિધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ્” નો ઉલ્લેખ કરીને રજોગુણની પ્રકૃતિ સમજાવી. તેમણે કહ્યું કે રજોગુણ રાગાત્મક છે અને તૃષ્ણા તથા સંગથી પેદા થાય છે, જે ભગવદ્આસક્તિમાં પ્રતિબંધક બને છે. આ લીલા દ્વારા ભગવાન ભક્ત અને પોતાના વચ્ચે આવતા રજોગુણથી ઉત્પન્ન થતા પ્રતિબંધોનો નાશ કરે છે અને ભક્તને પોતામાં સ્થિર કરે છે.
મહાત્મ્ય બોધ — મુખમાં વિશ્વ દર્શન લીલા
એક દિવસ શ્રીયશોદાજી શ્રીકૃષ્ણને દૂધ પીવડાવી રહ્યા હતા ત્યારે ભગવાને ભગાસું ખાધું. શ્રીયશોદાજીને ભગવાનના મુખમાં આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારા, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, સમુદ્ર, પર્વત, નદી, વન, અર્થાત સમગ્ર જગત દેખાયું. વક્તાશ્રીએ સમજાવ્યું કે જ્યાં સુધી ભગવાનમાં સુદ્રઢ સર્વાધિક સ્નેહ થયો નથી, ત્યાં સુધી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ભક્તિમાં સહાયક બને છે. પરંતુ, જો સ્નેહ દ્રઢ થઈ ગયા પછી મહાત્મ્યનું જ્ઞાન થાય, તો તે સ્નેહમાં ખલેલ ઉત્પન્ન કરી શકે છે. વક્તાશ્રીએ પોતાના બાળપણના ક્રિકેટ રમતના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું કે સ્નેહ સંબંધથી લીલા થઈ રહી હોય ત્યારે મહાત્મશાળી સ્વરૂપને યાદ કરવાથી સ્નેહનો રસ મરી જાય છે. તેથી ઠાકોરજીએ મહાત્મ્ય દર્શન પછી તરત જ વિસ્મરણ કરાવી દીધું, જેથી શ્રીયશોદાજીનો માતૃભાવ અખંડિત રહે.