મંગળાચરણ
• પાઠ: મંગળાચરણ
• प्रतिभागी वाचन:
• વક્તા વિવેચન:
શ્લોક ૧૮ — ગર્ભસ્થ જીવની કૃપા માટે પ્રાર્થના
• પાઠ: સુબોધિની શ્લોક ૧૮
• प्रतिभागी वाचन: હે ઈશ! આપ જેવા જે ઘણી દયાવાળાએ આ દસ માસનાને આવું જ્ઞાન આપ્યું તે ગરીબોના નાથ પોતાના કૃત્યથી જ પ્રસન્ન થાઓ. આમનો બદલો બે હાથ જોડ્યા સિવાય કોણ જ કરી શકે?
• વક્તા વિવેચન:
**શ્લોકનો ભાવાર્થ:** ગર્ભસ્થ જીવ ભગવાનને કહે છે કે આપે જ્ઞાન આપવારૂપ જે ઉપકાર કર્યો છે, તેનો બદલો વાળવાની શક્તિ મારામાં નથી. જીવ તો માત્ર નમન જ કરી શકે છે, તેથી ભગવાન પોતાના આ કાર્યથી જ પ્રસન્ન થાઓ. જ્ઞાન આપનાર આપ જ છો અથવા આપના જેવા જ છો.
**ઉપકારનો બદલો:** ભગવાને જ્ઞાન આપવારૂપ ઉપકાર કરેલો તેનો બદલો જો જીવ આપે તો ભવિષ્યમાં ભગવાન તેને બહાર કાઢે. બદલો આપ્યા વિના કેમ બહાર કાઢે એવી શંકા જીવને થાય છે, ત્યારે જીવ કહે છે કે હું તો નમન સિવાય બીજું કંઈ કરી શકતો નથી.
**દ્રષ્ટાંત:** જેમ કાદવમાં ખૂચેલી ગાયને બહાર કાઢીને કાઢનાર પોતે જ પ્રસન્ન થાય છે, તેમ ભગવાન પોતાના કૃત્યથી જ પ્રસન્ન થાઓ. શ્રીમહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થમાં મંગળાચરણમાં કહ્યું છે કે 'નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે', એટલે કે ભગવાનને વિષે જીવોને માત્ર નમન કરવું એ જ કર્તવ્ય છે, તેથી અધિક કંઈ પણ થઈ શકે એમ નથી એ સિદ્ધાંત છે.
શ્લોક ૧૯ — પુરાણ પુરુષનું દર્શન
• પાઠ: સુબોધિની શ્લોક ૧૯
• प्रतिभागी वाचन: જેમણે ઉત્પન્ન કરેલી બુદ્ધિથી આ સંયમ પ્રાપ્ત કરાવનાર દેહવાળો ખરેખર સાત બંધનવાળો હોવા છતાં, જાણે કે શરીરના સંબંધવાળા પોતાના દેહમાં બીજો રહેલો છે તે જીવની પેઠે જણાતા પુરાણ પુરુષને હું હૃદયમાં અને બહાર જોઉં છું.
• વક્તા વિવેચન:
**ભગવાનનું પ્રગટપણું:** ભગવાને ગર્ભસ્થ જીવને જ્ઞાન આપ્યું છે, છતાં પણ ભગવાન પ્રગટ થયા નથી. તેમ છતાં, દમ, શાંતિ, સંયમ વગેરે પ્રાપ્ત કરાવનાર દેહવાળો, સાત બંધનોવાળો હોવા છતાં, ભગવાને ઉત્પન્ન કરેલી બુદ્ધિથી ભગવાનને પોતાના દેહમાં જ વશ રાખનાર તરીકે જુદા રહેલા જુએ છે. પોતે તેને વશ રહેનારો છે તેથી ભગવાને આપેલ જ્ઞાનને લીધે જ જીવ તેમને જુએ છે. જેના ઉપર ભગવાને ઉપકાર કરેલો છે તેવો જીવ શરીરમાં રહેલા ઉપકાર કરનાર ભગવાનને જુએ છે.
**પુરાણ પુરુષનો પરિચય:** આમ જ્ઞાન હોવાનું કહ્યું તે પુરાણ એટલે કે જૂના હોવાથી, પહેલેથી વિદ્યમાન હોવાથી, આવી ચડેલા નથી તેથી પરિચય પણ કહ્યો. દેહની બહાર અને હૃદયમાં પણ ભગવાન જણાયેલા છે. જેમ ચૈત્ય એટલે કે જીવ જણાય છે તેની પેઠે સંપૂર્ણ રીતે સર્વ સ્થળે ભગવાન જણાયેલા છે. જેમ જીવનું જ્ઞાન થવામાં સાધન વગેરેની જરૂર નથી તેમ ભગવાન પણ પોતે જ જણાતા હોવાથી બુદ્ધિનો સંસ્કાર કરનાર તરીકે બીજા સાધનોની જરૂર નથી. જ્ઞાન સાધન હોવાનું કહેલું છે તેથી ભગવાનને જોઈને પ્રાર્થના વગેરે કરે તેમાં કાંઈ પણ દોષ નથી.
શ્લોક ૨૦ — સંસારચક્રથી બચવા ગર્ભમાં જ રહેવાની પ્રાર્થના
• પાઠ: સુબોધિની શ્લોક ૨૦
• प्रतिभागी वाचन: હે શક્તિમાન! ઘણા દુઃખથી રહેવાય તેવી રીતે હું અહીં રહેતો હોવા છતાં ગર્ભમાંથી બહાર અંધાર્યા કૂવામાં નીકળવા ઈચ્છતો નથી, કે જ્યાં ગયેલાની પાસે દેવની માયા આવે છે, તેનાથી તે મિથ્યા બુદ્ધિવાળો થાય છે જેની પછી આ સંસારનું ચક્ર પ્રાપ્ત કરે છે.
• વક્તા વિવેચન:
**ગર્ભસ્થ જીવનું ચિંતન:** સર્વ સ્થળે ભગવાનના દર્શન થતા અને આત્માનું જ્ઞાન થવાથી બ્રહ્મસમીપ આનંદ હોય છે. ભગવાનના વાક્ય પ્રમાણે કંઈક સુખ પ્રાપ્ત કરીને ગર્ભમાં જ દુઃખરહિત થતા જીવને બહારની પીડાનું સ્મરણ થઈ આવે છે. તેથી તે ગર્ભમાં જ રહેવા માટે પ્રાર્થના કરે છે.
**બહારની માયા:** જીવ ગર્ભમાં ઘણા દુઃખથી રહેતો હોવા છતાં બહાર નીકળવા ઈચ્છતો નથી. કારણ કે બહાર અંધાર્યા કૂવા જેવું છે. ગર્ભવાસ ભલે ચારે તરફથી પૂરી રાખનાર કૂવા જેવો છે, પણ અહીં જ્ઞાન છે, જ્યારે બહાર જ્ઞાન નથી, તેથી બહાર અંધાર્યા કૂવા જેવું છે. ગર્ભમાંથી બહાર નીકળેલા જીવ પાસે જેનું ઉલ્લંઘન ન થઈ શકે તેવી ભગવાનની માયા આવે છે. માયાથી મોહ પામેલાને દેહ વગેરેમાં 'આ હું છું' એવી મિથ્યા બુદ્ધિ થાય છે અને ત્યારે તે સંસારનું ચક્ર એટલે કે જન્મ-મરણ વગેરેના ફેરા પ્રાપ્ત કરે છે. આથી બહાર નીકળેલાને કોઈ પણ પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. 'યત' શબ્દનો અર્થ છે કે સર્વ તરફ દેખાય છે તે જરૂરી સંસાર પ્રાપ્ત થાય છે.
શ્લોક ૨૧ — વિષ્ણુના ચરણપ્રાપ્તિથી દુઃખનો નાશ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૧
• प्रतिभागी वाचन: તેથી જે પ્રકારે વિષ્ણુના ચરણ પ્રાપ્ત કરેલાને મને અનેક દોષવાળું આ દુઃખ ફરી ન થાય તેવી રીતે વ્યાકુળ ન થયેલો હું મારા પોતાનો તરત જ મિત્ર આત્મા વડે જ તમમાંથી ઉદ્ધાર કરીશ.
• વક્તા વિવેચન:
**ગર્ભમાં રહીને ઉદ્ધાર:** 'અહીં જ રહીને શું કરીશ?' એ પ્રશ્નના જવાબમાં જીવ કહે છે કે 'અહીં જ રહીને વ્યાકુળપણાનો ત્યાગ કરી મારા પોતાના મિત્ર આત્મા વડે જ એટલે ભગવાન વડે જ તમમાંથી ઉદ્ધાર કરીશ'. દેહમાં પડેલા આત્માનું તેના સ્વરૂપમાં સ્થાપન કરીશ. તેમાં સત્સંગ વગેરેની જરૂર નથી, કારણ કે મોટામાં મોટા ઉપકાર કરનાર ભગવાન જ સર્વ પ્રાપ્ત કરાવે છે.
**ઉદ્ધારનો લાભ:** 'ઉદ્ધાર કરવાથી શું લાભ? અહીં જ રહીને ભગવાનની પેઠે સ્વતંત્ર કેમ ન થાય?' એવી શંકા થાય ત્યારે જીવ કહે છે કે 'જે પ્રકારે અનેક દોષવાળું દુઃખ મને થાય નહીં, અહીં રહીને જ ભગવાનના ધ્યાનરૂપ ઉપાય તેવા પ્રકારે કરીશ કે જેથી દુઃખ થાય નહીં'. દુઃખ થાય ત્યારે તો ઉપાય કરવો કઠણ છે.
**વિષ્ણુના ચરણોની પ્રાપ્તિ:** જીવ કહે છે કે 'મેં વિષ્ણુના ચરણ પ્રાપ્ત કરેલા છે તેથી મને દુઃખ નહીં થાય'. ગર્ભની બહાર તો માયાથી થતા મોહને લીધે વિષ્ણુના ચરણની પ્રાપ્તિ થશે કે નહીં એવો સંદેહ રહે છે. નિશ્ચય સુધીની સ્તુતિ કરીને ભગવાનની સ્તુતિનું ફળ કહ્યું કે 'હર કોઈ સ્થળે રહી ભગવાનના ચરણની પ્રાપ્તિ કરવી'.
શ્લોક ૨૨ — જન્મ અને જ્ઞાનનું વિસ્મરણ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૨
• प्रतिभागी વાચન: એવી બુદ્ધિવાળો દસ માસનો ગર્ભ સ્તુતિ કરતા ઋષિ થાય છે. પ્રસવ કરાવનાર વાયુ પ્રસવ થાય તે માટે તરત તેને નીચો ધકેલે છે.
• વક્તા વિવેચન:
**ઋષિ સમાન ગર્ભસ્થ જીવ:** જીવની ઊંચી ગતિ થાય તે માટે બીજમાં થતો સંસ્કાર કહીને તેવાની ઊંચી ગતિ થાય છે એમ કહેવા નીચેના શ્લોકથી આરંભી તેનો જન્મ થયાનું કહે છે. દસ માસનો ગર્ભ સ્તુતિ કરતા ઋષિ થઈ નિશ્ચયવાળી બુદ્ધિવાળો થાય છે, કારણ કે મંત્ર જાણવામાં ન આવે તો ભજન ન થાય. ઋષિ એટલે મંત્ર જોનાર.
**કૃતિની બળવત્તા:** કૃતિ સર્વથી બળવાન છે એમ ઉપર કહેલું હોવાથી પ્રસવ કરાવનાર વાયુ તેવાને પણ, એટલે કે ઋષિ જેવો જ્ઞાની થયેલાને પણ, પ્રસવ થાય તે માટે નીચો ધકેલે છે. તે નીચા મુખવાળો થાય છે. ભગવાને જે સ્વભાવ નિર્ધારિત કર્યો છે અને જે ગતિનું નિર્ધારણ કર્યું છે, તે જ્ઞાન થાય તેમ છતાં પણ થઈને જ રહે છે. એટલે આટલું થઈ ગયા પછી પણ જીવાત્માના વિષયમાં ભગવાને નિર્ધારિત કર્યું છે કે તેને પુનઃ દેહ અને જન્મ પ્રાપ્ત થાય તો તે થઈને જ રહે છે.
શ્લોક ૨૩ — જન્મ સમયનું કષ્ટ અને સ્મૃતિલોપ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૩
• प्रतिभागी વાચન: તેનાથી એકાએક ધકાયેલો નીચા માથાવાળો થઈ દુઃખી થઈ શ્વાસ કાઢી ન શકતા સ્મરણ રહિત થઈ કષ્ટથી બહાર નીકળે છે.
• વક્તા વિવેચન:
**વાયુ દ્વારા બહાર ધકેલાવું:** પ્રસવ કરાવનાર વાયુથી ધકાયેલો જીવ કષ્ટથી બહાર નીકળે છે. તે સાવધાન થઈ શકતો નથી એમ એકાએક શબ્દથી જણાવેલું છે. નીચા માથાવાળો થઈ આરંભમાં દુઃખી થાય છે કારણ કે પીડા પ્રાપ્ત થઈ હોય છે, પછી ઘણા કષ્ટથી બહાર નીકળે છે.
**શ્વાસ લેવાની અસમર્થતા:** બહાર નીકળવાનું કારણ શ્વાસ કાઢી ન શકતા શબ્દથી કહેલું છે. અંદર શ્વાસ કાઢવાનું સ્થાન ન હોવાથી જીવ બહાર નીકળે છે. તે પછી તેની સ્મૃતિ પણ જતી રહે છે. તેમ ન થાય એટલે કે સ્મરણરહિત ન થાય તો ક્રિયા ઘણી બળવાળી ન ગણાય અને સાધન જણાવનારા શાસ્ત્રો નકામા થાય, તેથી સ્મરણરહિત થાય છે અને જ્ઞાન પણ રહેતું નથી.
શ્લોક ૨૪ — જન્મ પછી વિષ્ઠામાં રડતું બાળક
• પાઠ: સુબોધિની શ્લોક ૨૪
• प्रतिभागी વાચન: વિષ્ઠા અને મૂત્રમાં ભૂમિ ઉપર પડેલો વિષ્ઠામાં ઉત્પન્ન થયેલા કીડાની પેઠે આડોટે છે. જ્ઞાન જતાં ઊલટી સ્થિતિ પ્રાપ્ત કરેલો રડવાનો અવાજ કરે છે.
• વક્તા વિવેચન:
**અપવિત્રતા અને નિંદા:** પોતાની વિષ્ઠા અને ગર્ભમાંના જલરૂપ મૂત્રમાં પડેલો હોય છે. પછી ભૂમિ ઉપર પડેલો આરંભમાં વિષ્ઠામાં ઉત્પન્ન થયેલા કીડાની પેઠે આડોટે છે. ક્રિયાવિના જ્ઞાન ઉપયોગી નથી એમ જણાવવા નિંદાનું વચન કહેલું છે કે જીવની સર્વજ્ઞતા નિવૃત્ત થઈ ગઈ અને પૂર્વસ્મૃતિ પણ ગઈ. હવે તો વિષ્ઠામાં પેદા થયેલો કીડો હોય એના જેવી સ્થિતિ અત્યારે છે.
**જ્ઞાનનો નાશ અને રુદન:** વળી તે જ્ઞાન જણાવનારું જ હોવાથી પ્રસવ કરનારા વાયુથી તેનો નાશ થયાનું એટલે કે રડવાનો અવાજ કરે છે શબ્દથી કહેલું છે. જ્ઞાન જતાં ઊલટી સ્થિતિ પ્રાપ્ત કરેલો તે 'હું દેહ છું' એવી બુદ્ધિથી રડે છે. જેમ પોતાનું સર્વ ધન જાય ત્યારે પ્રાણી અવાજ કરે છે તેમ રડવાનો માત્ર અવાજ કરતો હોવાથી 'રોરું યતીિ' એમ કહેલું છે.
શ્લોક ૨૫ — બાળપણનું દુઃખ અને અસમર્થતા
• પાઠ: સુબોધિની શ્લોક ૨૫
• प्रतिभागी વાચન: બીજાની ઈચ્છા ન જાણનાર માણસથી પોષણ કરાતો તે ન ઈચ્છેલું પ્રાપ્ત કરે છે અને ના પાડવાની શક્તિ વિનાનો હોય છે.
• વક્તા વિવેચન:
**અનઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ:** બાલકની ઈચ્છા ન જાણનાર માણસથી તે પોષણ કરાતો હોય છે તેથી ભૂખને લીધે રડતો હોય ત્યારે ઔષધ અને પીડા થતી હોય ત્યારે અન્ન એમ ન ઈચ્છેલું પ્રાપ્ત કરે છે.
**ના પાડવાની અશક્તિ:** 'પ્રત્યાખાતુમ' એટલે કે ના પાડવાની 'અનિશ્વરમ' એટલે કે શક્તિ વિનાનો હોય છે અને ના પણ નથી પાડી શકતો કે મને અત્યારે ભૂખ લાગી છે તો દવા નથી જોઈતી કે પીડા થતી હોય ત્યારે ખાવાનું નથી જોઈતું. આવી શક્તિ વિનાનો હોવાને કારણે તેને ઘણું દુઃખ હોવાનું કહેલું છે.
શ્લોક ૨૬ — અપવિત્રતાથી જ્ઞાનમાં વિઘ્ન
• પાઠ: સુબોધિની શ્લોક ૨૬
• प्रतिभागी વાચન: જંતુઓ અને પરસેવાથી ઉત્પન્ન થયેલ જીવડાથી દૂષિત અપવિત્ર ખાટલામાં સુવાડેલો તે પોતાના અંગો ખણવાની, બેસવાની, ઊભા થવાની કે ફરવાની શક્તિ વિનાનો હોય છે.
• વક્તા વિવેચન:
**અશુદ્ધ વાતાવરણ:** પીડા અને ભૂખ ન હોય ત્યારે પણ તેને દુઃખ હોય છે. તે અપવિત્ર ખાટલામાં સુવાડેલો હોય છે. દસ દિવસ સુધી સુવાવડીના ઓરડામાં રહેલા પદાર્થો શુદ્ધ હોતા નથી. આથી તેને જ્ઞાન ઉત્પન્ન થવામાં વિઘ્ન હોવાનું કહેવાયું. માકડ વગેરે જંતુઓ અને પરસેવાથી ઉત્પન્ન થયેલ મચ્છરો તેમનાથી ખાટલો દૂષિત હોવાથી ઘણી જ પીડા કરનારો હોવાનું કહેલું છે. આ અવસ્થા તામસ હોવાથી જ્ઞાન ન થાય.
**જ્ઞાનનો અભાવ:** અધર્મને લીધે અને દુઃખને લીધે જ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ કહ્યું. અપવિત્ર ખાટલો શબ્દથી અધર્મ સૂચવેલો હોવાનું જણાય છે, કારણ કે એ અપવિત્ર જગ્યાએ છે માટે ત્યાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. ઉત્તરાર્ધથી દુઃખ દૂર કરવાની અશક્તિ કહેલી છે. તે અંગો ખણવાની, બેસવાની, ઊભા થવાની કે ફરવાની શક્તિ વિનાનો હોય છે પરંતુ સદા પડ્યો રહે છે એમ સુખ ન થવાનું કારણ કહેલું છે. આથી આધ્યાત્મિક દુઃખ કહ્યું છે.
શ્લોક ૨૭ — આધિભૌતિક દુઃખ અને જ્ઞાનનો અભાવ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૭
• प्रतिभागी વાચન: જેમ જંતુઓ મોટા જીવડાને કરડે તેમ દાંસલાઓ, મચ્છરો, માકડો વગેરે કાચી ત્વચાવાળા, રડતા અને જ્ઞાનરહિત થયેલાને કરડે છે.
• વક્તા વિવેચન:
**ત્વચાની કોમળતા અને જીવજંતુઓની પીડા:** નીચેના શ્લોકમાં આધિભૌતિક દુઃખ કહે છે. કાચી છે ત્વચા જેની તેવા તેને દાંસલાઓ, મચ્છરો, લાલ રંગના ખાટલામાં પડતાં કીડા, માકડો અને વગેરે શબ્દથી જણાવેલા બીજા વસ્ત્ર વગેરેમાં રહેલા કીડાઓ પણ કરડે છે.
**જ્ઞાન વિનાની સ્થિતિ:** ઉત્તરાર્ધથી બંને (જીવ અને દાંસલા વગેરે જીવડાઓ) જ્ઞાન વિનાના હોવાનું કહે છે. આવા બધા દુઃખને લીધે જીવનું જ્ઞાન જતું રહ્યું છે અને જો કદાચ એને જ્ઞાન હોય તો તે સહન કરે, પણ તે રડે છે એનો અર્થ છે કે તેને જ્ઞાન નથી રહ્યું. સહન કરે તેથી પણ અધિક તેને પોતાની જાતનો બીજો માનીને કરડે છે એમ જેમ જંતુઓ મોટા જીવડાને કરડે તે દ્રષ્ટાંતથી કહેલું છે. 'કૃમિકહ' એટલે મોટો જીવડો.
શ્લોક ૨૮ — બાલ્યકાળ અને પૌગંડ અવસ્થાનું દુઃખ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૮
• प्रतिभागी વાચન: એવી રીતે બાળપણનું અને વળી પૌગંડ અવસ્થાનું દુઃખ ભોગવીને અજ્ઞાનને લીધે ઈચ્છેલું ન પ્રાપ્ત કરેલો અને વધી ગયેલા ક્રોધવાળો શોક પ્રાપ્ત કરે છે.
• વક્તા વિવેચન:
**બાળપણનું દુઃખ:** આવું દુઃખ ઘણા બાળપણમાં હોય છે. આવા પ્રકારનું જ પાંચ વર્ષ સુધીનું બાળપણ હોય છે. નરકમાંથી આવેલો જીવ વિદ્યા અને ધનવાળાઓના કુળમાં જન્મે ન હોવાથી, ઘણા ગરીબોના ઘરમાં જ આવું દુઃખ પામે છે.
**પૌગંડ અવસ્થા:** પૌગંડ અવસ્થામાં પણ તેને દુઃખ મળે છે. પાંચમા વર્ષ પછીથી નવમા વર્ષ સુધી પૌગંડ અવસ્થા હોય છે. તેમાં પણ આવી જ જાતનું દુઃખ હોય છે, તેથી દુઃખથી પીડાયેલાઓને જ્ઞાન થતું નથી એવો ભાવ છે.
**કામ, ક્રોધ અને શોક:** ભવિષ્યમાં કદાચ જ્ઞાન થશે એવી શંકા થાય તેથી કહે છે કે તે સમયે કામ વગેરે જ્ઞાન થવામાં વિઘ્ન કરનારા થાય છે એમ ઈચ્છેલું ન પ્રાપ્ત કરેલો વિશેષણથી કહેલું છે. અજ્ઞાનને લીધે જ તેને ઈચ્છેલું હોય છે, તેથી તે પ્રાપ્ત ન થાય એનાથી જ તેને દુઃખ થાય છે અને જ્ઞાન નથી થતું. અજ્ઞાનથી જ વધી ગયેલો છે ક્રોધ જેનો તેવો હોય છે અથવા વધી ગયેલા ક્રોધથી તે શોક પ્રાપ્ત કરે છે. ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ અને શોક તેને જ્ઞાન ઉત્પન્ન થવા દેતા નથી તેવો અર્થ છે.
શ્લોક ૨૯ — દેહના અભિમાનથી નાશ
• પાઠ: સુબોધિની શ્લોક ૨૯
• प्रतिभागी વાચન: દેહની સાથે વધતા અભિમાન અને ક્રોધને લીધે કામી પોતાના નાશ માટે કામીઓ સાથે વિગ્રહ કરે છે.
• વક્તા વિવેચન:
**અભિમાન અને ક્રોધની વૃદ્ધિ:** મોટા થયેલાના જ્ઞાનનો નાશ થવાના કારણો નીચે કહે છે. જેમ દેહ વધે છે તેમ અભિમાન અને ક્રોધ વધે છે. ક્રોધને તો દેહના વધવાની પણ જરૂર નથી હોતી, અભિમાનને તેની જરૂર હોવાથી તેને શ્લોકમાં જુદું કહ્યું છે.
**કામીઓ સાથે વિગ્રહ:** કામી પોતાના નાશ માટે કામીઓ સાથે વિગ્રહ કરે છે. જો એક પદાર્થના સંબંધમાં ઘણાને કામના થાય ત્યારે ઘણા બળવાનો બીજાને મારી નાખે છે. આવા સંજોગોમાં જીવે પહેલાની પેઠે સ્વતંત્ર સત્કર્મ કરેલા ન હોવાથી ઈચ્છેલું પ્રાપ્ત થતું નથી અને તેનો નાશ થાય છે.
શ્લોક ૩૦ — અજ્ઞાનીની મિથ્યાબુદ્ધિ
• પાઠ: સુબોધિની શ્લોક ૩૦
• प्रतिभागी વાચન: આકાશ વગેરે પાંચ મહાભૂતોથી બનેલા દેહમાં દુષ્ટ બુદ્ધિવાળો, ખોટો આગ્રહ રાખનાર અજ્ઞાની દેહી 'હું મારું' એવી બુદ્ધિ વારંવાર કરે રાખે છે.
• વક્તા વિવેચન:
**દેહીનું અભિમાન:** વાક્યથી જ્ઞાન થવાનો સંભવ જ નથી એમ કહે છે. આકાશ વગેરે પાંચ મહાભૂતોથી બનેલા દેહમાં દેહી દેહનું અભિમાન રાખનારો, પહેલાનું જ્ઞાન ગુમાવેલો 'હું મારું' એવી બુદ્ધિ કરે છે. તે દુષ્ટ બુદ્ધિવાળો છે કારણ કે તેને ખબર છે કે આ દેહ પાંચ મહાભૂતોનો બનેલો છે છતાં પણ તે અભિમાન રાખે છે, દેહને જ આત્મા માનવાવાળો છે.
**અજ્ઞાન અને વાસના:** દેહ મહાભૂતો વગેરેનો બનેલો હોવાનું દેખાય છે જ. એ પ્રમાણે નજરોનજર જોવા છતાં જ્યારે અજ્ઞાની રહે છે તો પછી તેને જ્ઞાન ક્યાંથી થાય? કંઈ પણ કહેવાથી અજ્ઞાની રહેવાનું કારણ દેહી દેહના અભિમાનવાળો છે. દેહમાં જે એનો અભિમાન છે એને લીધે તે અજ્ઞાની રહે છે. મહાભૂતોનો દેહ બનેલો હોવાનું શ્રદ્ધા જાણતો હોવા છતાં પણ વાસનાને લીધે 'હું મારું' એવું તેને અભિમાન રહે છે. આ અભિમાન પોતાની મેળે જતું નથી એમ વારંવાર કહેલું છે. ખોટો આગ્રહ રાખનાર હોવાથી બીજાનો બોધ નક્કામો છે. પોતાની મેળે તેને તર્કનું ભાન રહેતું નથી એમ જણાવવા દુષ્ટ બુદ્ધિવાળો કહેલો છે.
શ્લોક ૩૧ — અવિદ્યા, કામ, કર્મ અને સંસારચક્ર
• પાઠ: સુબોધિની શ્લોક ૩૧
• प्रतिभागी વાચન: જેનાથી બંધાઈ સંસાર પ્રાપ્ત કરે છે, જે દુઃખ દેતો પાછળ આવ્યા કરે છે અને જેનો અવિદ્યા અને કર્મને લીધે સંબંધ થાય છે, તેને માટે કર્મ કરે છે.
• વક્તા વિવેચન:
**દેહનું અભિમાન અને કર્મબંધન:** એ રીતે દેહમાં 'હું મારું' એવી બુદ્ધિ દ્રઢ થાય ત્યારે જે થાય છે તે નીચેના શ્લોકમાં કહે છે. જીવ આ અભિમાનને લીધે 'હું મારું' એ અભિમાનને લીધે સંસાર પ્રાપ્ત કરે છે અને જે સૂક્ષ્મ દેહ છે એનું દુઃખ દેતો એની પાછળ આવ્યા કરે છે. અવિદ્યા અને કર્મને લીધે સંબંધ થાય છે અને તેને માટે કર્મ કરે છે. એટલે દેહ માટે કર્મ કરે છે અને કર્મથી બંધાઈ જન્મ-મરણરૂપ સંસાર પ્રાપ્ત કરે છે. જે પાછળ આવ્યા કરે છે શબ્દોથી એમ કહેલું છે કે દેહ પણ તેને તજતો નથી, એટલે જે આ સૂક્ષ્મ દેહ છે તે પણ તેને છોડતો નથી, તેની પાછળ આવ્યા જ કરે છે. જે દેહ સદા દુઃખ દેતો તેનું અનુસરણ પાછળ આવ્યા કરે છે કારણ કે પોતાથી તે બંધાયેલો છે, તેને માટે કર્મ કરે છે.
**અવિદ્યાથી કર્મ:** આરંભમાં અવિદ્યા, પછી કામ અને પછી કર્મો થાય છે. પહેલા તો તેને અવિદ્યા લાગે છે, પછી તેને ઈચ્છાઓ થાય છે, પછી એના માટે એ કર્મ કરે છે અને એનાથી એને જે આ સૂક્ષ્મ વાસનાવાળો દેહનો સંબંધ થાય છે અને એ દેહ માટે કર્મ કર્યા કરે છે. એ પ્રમાણે દેહનું અભિમાન રાખવાથી નાશ પામે છે એમ કહેલું છે.